
કવિવર શ્રી હરીન્દ્ર દવેની તરહી પંક્તિ પરથી મારા દ્વારા રચાયેલી સુંદર ગઝલ આપણા જીવનમાં ઘટતી ઘટનાઓને ચોક્કસપણે વણી લે છે જે દરેકના હૃદય સુધી પહોંચવા સક્ષમ છે.
*ગઝલ*
હમણાં તો આવજો કહી છૂટા પડ્યા હતા ..
જાણે કે બેઉના પગે ખીલા જડ્યાં હતા ...
હસતા'તા જોર જોરથી હાથોમાં હાથ લઇ,
ચોધાર આંસુએ પછી શાને રડ્યાં હતા?
આધાર જોઈએ બધે સામર્થ્ય પામવા ,
આકાશ આંબવા તમે શૂળે ચડ્યા હતા..
ઘૂમે છે ઈર્દ ગિર્દ સૌ સુખના સમય લગી,
આથમતી સાંજ દેખતાં કોઈ જડ્યા હતા?
આરસના શ્વેત દેહને શેનો હતો ભરમ ?
પૂરો નહી જો પ્રાણ તો કોને ફળ્યાં હતાં?
કોનું કહેલું માનવું? રસ્તો જડે નહીં ,
દિલ 'ને મગજ વિવાદ કરી આથડયા હતા ..
ઇશ્વરને છેતરી બને ડાહ્યો તું માનવી,
ગીતા-કુરાન ખંતથી કોણે ઘડ્યાં હતાં?
સિદ્ધાંત કર્મનો કદી છોડે ન કોઈને
જેણે ગુમાવ્યું નૂર તે અંતે સડયા હતા..
ચપટી વગાડતાં કરું મુઠ્ઠીમાં આ જગત ,
પણ દિલને નીતિશાસ્ત્રના મૂલ્યો નડ્યા હતાં..
*- મનીષા દુધાત "મનમંદિર"*
અંકલેશ્વર