આ કવિતા કંઈક ચોક્ક્સ હેતુથી મેં લખી છે. આપણે આપણા રોજીંદા જીવનમાં કેટકેટલા પ્રકારનાં વહેમ ને સાથે લઈને જીવતા હોઈએ છીએ ! જેમકે શુકન અપશુકન ના વિષયને લઈને ફેલાયેલી કેટલીક માન્યતાઓ અને અફવાઓ આપણા જીવનના વિકાસને રોકી રહી છે.એમાંથી બહાર આવીને આપણે કર્મયોગને એટલે કે પુરુષાર્થને અપનાવી જીવનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા જોઈએ.
*શુકન-અપશુકન*
અજબ ગજબનું જ્ઞાન રચ્યું જે કોઈને ના સમજાય,
ઈશ્વરે સઘળું સર્જ્યું તોયે શુકન-અપશુકન કેમ થાય ?
સાવરણી હરખાતી ઘણી ને નોળીયો નાચ્યે જાય,
મેલી નજરને ધક્કો મારે મીઠું અને રાય...
દહીં-ખાંડ તો મૂછો મરડે, કાળો રંગ અકળાય,
શુભ-અશુભના લેખા-જોખા કોને પૂછી થાય ?
ઉલટા ચપ્પલ વાળો મુઓ કેટલી ગાળો ખાય !
વહેમ વગાડે વાજા વહુનાં જો ભૂલથી દૂધ ઉભરાય..
નસીબવંતા કાચની ઈર્ષ્યા બિલાડીને થાય,
'એ' ફૂટે તોયે શુકન ને 'હું' ચાલું તો બબાલ થાય...
' પુરૂષાર્થ ' નસીબને મઠારી માંગે સાચો ન્યાય,
દુનિયા લાવું મુઠ્ઠીમાં જો પરિશ્રમ પારસમણી કહેવાય !
✍️ - મનીષા દુધાત 'મનમંદિર' (અંકલેશ્વર)